#_ઘોડી_ને_ઘોડેસવાર ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે ? જવાબ મળે છે કે, બીજે ક્યાં જાય ? – બેમાંથી એક માર્ગે : કાં પોતાની મૃગનયની સ્ત્રીને મળવા, ને કાં સંગ્રામમાં ખડગ વીંઝવા; કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે. કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર, સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર. પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સરજ્યાં છે : કોઈ તેજી ઘેાડો, કોઈ શુરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણી નારી. ત્રણેનો મેળ પ્રભુ જ મેળવી શકે છે. ભલ ઘોડા, વલ વંકડા, હલ બાંધવા હથિયાર, ઝાઝા ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર. ભલા ઘોડા સવારી કરવાના હોય, શિર પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય, પછી બહોળા શત્રુ-ઘોડેસવારો પર ત્રાટકવાનું હોય, તો પછી ભલે મોત આવે – મરવું તો એક જ વાર છે ને ! મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડનાં ઘોડાંની વાતો મંડાણી હતી : કોઈ માણકીનાં વખાણ કરતું હતું, તો કોઈ તાજણનાં પરાક્રમ કહેતું હતું. એમ બેરી, ફૂલમાળ, રેશમ, વાંદર્ય...વગેર...